રાજ્યવ્યાપી "સૂર્ય નમસ્કાર અભિયાન" અંતર્ગત વર્લ્ડ રેકોર્ડ બનાવવાનાં આયોજનમાં ભરૂચ બનશે ભાગીદાર
ભરૂચની જે પી કોલેજ અને આઇકોનિક સ્થળ શુકલર્તીથ ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાશે
″સૂર્ય નમસ્કાર અભિયાન″ અનુલક્ષીને જિલ્લા કલેક્ટર તુષારભાઈ સુમેરાએ પત્રકાર પરિષદ યોજી
મનિષ કંસારા દ્વારા
ભરૂચ: જિલ્લા કલેકટર તુષારભાઈ સુમેરાએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમને અનુલક્ષીને કલેક્ટર કચેરી સભાખંડ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, યોગને વિશ્વસ્તરીય બનાવવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, ગાંધીનગર દ્વારા રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર - મહાભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ સહિત રાજ્યભરમાં ૦૧ ડિસેમ્બર-૨૦૨૩થી શરૂ કરવામાં આવેલું આ અભિયાન તા.૧ જાન્યુઆરી સુધી ચાલશે. તા.૧ જાન્યુઆરીના રાજ્યભરમાં ૧૦૮ સૂર્ય નમસ્કાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે પૈકી એક રાજ્ય કક્ષાએ મોઢેરા સૂર્ય મંદિર, મહેસાણા તથા અન્ય ૫૦ સ્થળો પરથી વર્લ્ડ રેકોર્ડ નોંધાવવા એકી સાથે અને એક જ સમયે સૂર્ય નમસ્કાર કરાશે. આ વર્લ્ડ રેકોર્ડ નાં આયોજનમાં ભરૂચના ૨ સ્થળો ભાગીદારી નોંધાવશે. જેમાં જિલ્લાની જે પી કોલેજના ગ્રાઉન્ડ તથા આઇકોનિક સ્થળ શુક્લતીર્થ માં નર્મદા સ્કૂલ સામેનાં મેળાનાં મેદાનમાં પણ સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાશે. આ બંને કાર્યક્રમનો સમય સવારે ૦૮:૦૦ થી ૯:૪૦ સુધીનો રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા યુવા વિકાસ અધિકારી મીતાબેન ગવલીએ પણ કાર્યક્રમની વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યું કે, રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાનમાં ગ્રામ્ય કક્ષાએ અંદાજિત ૪૦૦૦ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જે પૈકી ૨૮૦૦ જેટલા સ્પર્ધકો તાલુકા કક્ષાએ પસંદગી પામ્યા હતા. તાલુકા કક્ષાએથી ૭૮ જેટલા સ્પર્ધકો જિલ્લા કક્ષાએ પસંદગી પામ્યા હતા. જિલ્લા કક્ષાનાં સ્પર્ધકોમાંથી ૩ મહિલા અને ૩ પુરૂષ એમ કુલ ૬ સ્પર્ધકો રાજ્ય કક્ષાએ પસંદગી પામ્યા છે જેઓ રાજ્ય કક્ષાનાં કાર્યક્રમમાં ભાગ લેશે.
આ પરિષદમાં નિવાસી અધિક કલેક્ટર એન આર ધાધલ, જિલ્લા રમત વિકાસ અધિકારી ગોહિલ તથા જિલ્લાનાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
#gujaratnivacha
🇮🇳🌞🙏🇮🇳🌞🙏🇮🇳🌞🙏🇮🇳🌞🙏
Comments
Post a Comment