આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે... પરિસંવાદ યોજાયો

આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે

ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે... પરિસંવાદ યોજાયો

 રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી બચવાનો શ્રેષ્ઠ માર્ગ એટલે પ્રાકૃતિક કૃષિ:  મહામહિમ રાજ્યપાલ


 -: મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત : -


🔸પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી દેશના ખેડૂતો અને ખેતી આત્મનિર્ભર બનશે


🔸એક સાથે અનેક પાકનું ઉત્પાદન મેળવવું તે પ્રાકૃતિક ખેતીનો સિદ્ધાંત છે


🔸પ્રાકૃતિક કૃષિથી ઓછા ખર્ચે પૂરતું ઉત્પાદન મળે છે : જળ જમીન અને પર્યાવરણની રક્ષા થાય છે અને સ્વાસ્થ્યપ્રદ આહાર મળે છે

🔸ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાયેલા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનાં પ્રારંભે મોરબીની દુર્ઘટનામાં ભોગ બનેલા દિવંગતોને બે મિનિટ મૌન પાળી શ્રધ્ધાંજલિ અર્પણ કરાઇ 


✍️ મનિષ કંસારા 

ભરૂચ: ગુજરાતનાં મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે યોજાયેલા પ્રાકૃતિક કૃષિ, પ્રકૃતિના શરણે... પરિસંવાદમાં ઉપસ્થિત પ્રગતિશીલ ખેડૂતો સાથે વર્ચ્યુઅલ સંવાદ કરતા જણાવ્યું હતું કે, રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી બચવાનો શ્રેષ્ઠ માર્ગ પ્રાકૃતિક કૃષિ છે. મહામહિમ રાજ્યપાલે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી દેશનાં ખેડૂતો અને ખેતી આત્મનિર્ભર બનશે.   


   ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાયેલા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનાં પ્રારંભે મોરબીની દુર્ઘટનામાં ભોગ બનેલા દિવંગતોને બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ હતી. 

   વધુમાં મહામહિમ રાજ્યપાલે જણાવ્યું હતું કે, ભારતનાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીનાં અમૃત મહોત્સવ પ્રસંગે પ્રત્યેક ગામમાંથી ૭૫ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડવા આહવાન કર્યું છે; જેને સાકાર કરવા ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ જનઅભિયાન ઉપાડયું છે. ભરૂચ જિલ્લાનાં વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાય તે માટે અનુરોધ કરતા મહામહિમ રાજ્યપાલે પ્રાકૃતિક કૃષિને ખેડૂતો માટે આશીર્વાદરૂપ ગણાવી હતી. 


    પ્રાકૃતિક કૃષિના મૂળભૂત સિદ્ધાંતોની સમજ આપતા મહામહિમ રાજ્યપાલે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાયનું અત્યંત મહત્વ છે. દેશી ગાયનાં એક ગ્રામ છાણમાં ૩૦૦ કરોડ સૂક્ષ્મ જીવાણું હોય છે. જ્યારે ગૌ-મૂત્ર ખનીજોનો ભંડાર છે. દેશી ગાયનાં છાણ, ગૌમૂત્ર, દાળનું બેસન, ગોળ અને માટીનું પાણીમાં મિશ્રણ બનાવી જીવામૃત અને ઘનજીવામૃત બનાવવામાં આવે છે. જે કલ્ચરનું કાર્ય કરે છે અને પ્રાકૃતિક ખાતર તરીકે વાપરી શકાય છે. જીવામૃત-ઘનજીવામૃતથી જમીનમાં સૂક્ષ્મજીવો અને અળસિયા જેવા મિત્ર જીવોની વૃદ્ધિ થાય છે. જે જમીનમાં રહેલા ખનીજ તત્વોનું શોષી શકાય તેવા સરળ પદાર્થોમાં રૂપાંતર કરે છે. જેનું શોષણ કરી છોડ પોષણ મેળવે છે. જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે. મહામહિમ રાજ્યપાલે અળસીયાને ખેડૂતોના મિત્ર ગણાવ્યા હતાં. અળસીયા જમીનમાં અસંખ્ય છેદ બનાવી જમીનને નરમ બનાવે છે. જમીનમાં પૂરતો ઓક્સિજન મળે છે; અને આ છિદ્રો દ્વારા પાણી જમીનમાં ઉતરતા કુદરતી રીતે જળસંચય થાય છે. 

    મહામહિમ રાજ્યપાલે જમીનને કૃષિ અવશેષોથી ઢાંકવા માટે આચ્છાદન એટલે કે મલ્ચીંગના મહત્વને સમજાવતા જણાવ્યું હતું કે, મલ્ચિંગથી જમીનનું ઊંચા તાપમાન સામે રક્ષણ થાય છે. જમીનમાં ભેજનું પ્રમાણ જળવાઇ છે. જેનાંથી પાણીની પચાસ ટકા જેટલી બચત થાય છે. નિંદામણની સમસ્યા હલ થાય છે અને અળસિયાં જેવા મિત્ર જીવોને દિવસ દરમિયાન કાર્ય કરવાનું વાતાવરણ બની રહે છે. તેમને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં મિશ્ર પાકનાં મહત્વને પણ સમજાવ્યું હતું. 

   મહામહિમ રાજ્યપાલે ઓર્ગેનિક કૃષિ અર્થાત જૈવિક કૃષિને પ્રાકૃતિક કૃષિથી સાવ અલગ પદ્ધતિ ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, ઓર્ગેનિક કૃષિમાં વર્મિકંમ્પોસ્ટ બનાવવાનો ખર્ચ થાય છે. નિંદામણની સમસ્યાનો હલ થતો નથી. વિદેશી અળસિયા ભારતીય વાતાવરણમાં પૂરી ક્ષમતાથી કાર્ય કરી શકતા નથી. જેનાં કારણે ઓર્ગેનિક કૃષિમાં શરૂઆતનાં વર્ષોમાં ઉત્પાદન ઘટે છે અને ખર્ચ વધવાનાં કારણે ઓર્ગેનિક કૃષિ ખેડૂતો માટે લાભકારી નથી; જ્યારે પ્રાકૃતિક કૃષિમાં કૃષિખર્ચ નહિંવત આવે છે. ઉત્પાદન ઘટતું નથી, જમીનનો ઓર્ગેનિક કાર્બન વધવાથી જમીન ફળદ્રુપ બને છે અને સરવાળે ખેડૂતો માટે લાભકારી સાબિત થાય છે. વધુમાં એક સાથે અનેક પાકનું ઉત્પાદન મેળવવા એ પ્રાકૃતિક ખેતીનો સિદ્ધાંત છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.   

   મહામહિમ રાજ્યપાલે જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના અંધાધૂધ ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે. રાસાયણિક કૃષિમાં ખર્ચ સતત વધી રહ્યો છે અને ઉત્પાદન દિન પ્રતિદિન ઘટતું જાય છે. આના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બની રહી છે. રાસાયણિક કૃષિના કારણે જળ-જમીન અને પર્યાવરણ દૂષિત થયા છે. દૂષિત ખાધાન્ન આરોગવાથી લોકો કેન્સર, હ્રદયરોગ જેવા અસાધ્ય રોગનાં ભોગ બની રહ્યાં છે. રાસાયણિક કૃષિના દૂષ્પરિણામોથી બચવાનો મજબુત વિકલ્પ પ્રાકૃતિક કૃષિ હોવાનો જણાવી મહામહિમ રાજ્યપાલે ઉમેર્યુ હતું કે, પ્રાકૃતિક કૃષિથી જળ-જમીન અને પર્યાવરણની રક્ષા થાય છે. દેશી ગાયનું જતન-સંવર્ધન થાય છે. કૃષિ ખર્ચ ઘટે છે અને ઉત્પાદન પૂરતું મળવાને કારણે પ્રાકૃતિક કૃષિ ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકો પાછળ કેન્દ્ર સરકારને વર્ષે અઢી લાખ કરોડનો આર્થિક બોજ સહન કરવો પડે છે. 

   મહામહિમ રાજ્યપાલે વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાય તે માટે ઉપસ્થિત ખેડૂતોને અનુરોધ કરી ખેડૂત અને ખેતીને આત્મનિર્ભર બનાવવા સૌને પ્રેરિત કર્યા હતાં. 

   આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે પરિસંવાદમાં જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વ અને માર્ગદર્શનમાં દેશ કૃષિ ક્ષેત્રે હરળફાળ વિકાસ કરી રહ્યો છે. ભરૂચ જિલ્લો પણ રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ અપનાવવામાં અગ્રેસર છે. પ્રાકૃતિક કૃષિએ અત્યારનાં સમયની માંગ છે. જ્યારે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓથી પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્યને નુક્શાન થઇ રહ્યું છે. ત્યારે પ્રાકૃતિક ખેતીએ પર્યાવરણ, સ્વાસ્થ્ય અને ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ માટે મહત્વની છે.  

   પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલે તથા વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ એ રણાએ પણ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યુ હતું. પ્રાકૃતિક ખેત પેદાશોના સ્ટોલની મહાનુભાવો તેમજ ખેડૂતોએ મુલાકાત લીધી હતી.  



   જિલ્લા કલેક્ટર તુષારભાઈ સુમેરાએ ગુજરાતનાં મહામહિમ રાજ્યપાલ સહિત અહીં ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરતા જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં પ્રાકૃતિક કૃષિ અપનાવવા નાં આહ્વાન બાદ ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધ્યો છે. જિલ્લામાં અત્યારે ૩૦૦૦ જેટલા ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. જિલ્લા વહીવટી તંત્રની અનોખી પહેલ એવી “કૃષિ ઉત્કર્ષ” પહેલ અંતર્ગત જિલ્લાના ૧૦ હજાર જેટલા ખેડૂતોને શિબિર થકી  પ્રાકૃતિક ખેતીને અપનાવવા નાં સ્તુત્ય પ્રયત્નો ઉપરાંત દરેક ગામ દીઠ ૭૫ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અભિયાન સ્વરૂપે સઘન કામગીરી થઇ રહી છે. 

   જિલ્લા વિકાસ અધિકારી પી. આર. જોષીએ પોતાનાં આભાર પ્રવચનમાં જણાવ્યું કે, પરિસંવાદ ના પરિપાક સ્વરૂપે જિલ્લાનાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવશે તેવી નેમ વ્યક્ત કરી હતી. વધુમાં, મહામહિમ રાજ્યપાલની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમથી અહીંનાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત થયા છે તેમ પણ તેમણે જણાવ્યું હતું. 

   આ વેળાએ ભરૂચ જિલ્લાનાં ભાજપનાં પ્રમુખ  મારૂતિ સિંહ અટોદરિયા, નિવાસી અધિક કલેક્ટર એન. આર. ધાધલ, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર એ. આઈ. પઠાણ સહિતનાં અધિકારીઓ તથા પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.

આપની માહિતી આપવા સંપર્ક કરો

મનિષ કંસારા

#manishkansara

📱 63529 18965

GMail ID Ⓜ️

 kansaramanish4@gmail.com

#gujaratnivacha

🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

બાજરો સુકવી રહેલા યુવાનને ૧૧ કે.વી. લાઇનમાંથી વીજશોક લાગતા ઘટના સ્થળે કરૂણ મોત

ચક્રવાત 'બિપરજોય' એ ખતરનાક રૂપ લીધું, આ દિવસે થશે સૌથી વધુ તબાહી; IMD એ એલર્ટ જાહેર કર્યું

વર્ષમાં માત્ર એક વખત કાર્તિકી પૂર્ણિમા ની મધ્યરાત્રીએ થોડી મિનિટો માટે સર્જાય છે "સોમનાથ અમૃત વર્ષા સંયોગ"