શ્રી સોમનાથ કાર્તિકી પૂર્ણિમાના મેળાનો પ્રારંભ 3 નવેમ્બરે સાંજે 5:00 વાગ્યે થશે
૧૯૫૫ થી યોજાય છે લોક સંસ્કૃતિ, અધ્યાત્મ અને મનોરંજનના ત્રિવેણી સંગમ સમાન સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળો
મુલાકાતીઓ માટે સુરક્ષા અને સુલભતા સાથે ઊભી કરાય છે સાત્વિક આનંદની તમામ વ્યવસ્થાઓ
✍️ મનિષ કંસારા
૧૯૫૫ થી યોજાતો સોમનાથનો પારંપરિક કાર્તિકી પૂર્ણિમાનો મેળો આ વર્ષે ૦૩ નવેમ્બરે સાંજે ૦૫:૦૦ કલાકે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષક નાં વરદ હસ્તે ખુલ્લો મુકવામાં આવશે.
છેલ્લા બે વર્ષથી કોવિડ-19 મહામારીને કારણે મેળાનું આયોજન થઈ શક્યું ન હતું ત્યારે આ વર્ષે સોમનાથ ટ્રસ્ટ દ્વારા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
મેળામાં મનોરંજનનાં સાધનો, ખાણીપીણીનાં સ્ટોલ, બાળકો માટે રમકડાં, તેમજ અન્ય વેચાણ સ્ટોલ, ઇન્ડેક્ષ-સી વિભાગનાં હસ્તકલા અને ગૃહઉદ્યોગ જેવા આકર્ષક સ્ટોલ, જેલના કેદીઓના ભજીયા નો સ્ટોલ, સેલ્ફી પોઇન્ટસ, પંચદેવ મંદિર, તેમજ પ્રતિદિવસ ખ્યાતનામ કલાકારોનાં સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
કાર્તિકી પૂર્ણિમાના મેળાનાં ૦૫ દિવસ દરમિયાન શ્રી સોમનાથ મંદિર રાત્રે ૧૧:૦૦ વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે. તેમજ કાર્તિકી પૂર્ણિમાની રાત્રિએ સોમનાથ મંદિર રાત્રે ૦૧:૦૦ વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે. પૂર્ણિમાની રાત્રિએ વિશેષ મહાપૂજા તેમજ મહાઆરતી કરવામાં આવશે. આ વર્ષે પૂનમની તિથિ તા.૦૭ અને ૦૮ નવેમ્બર બન્ને દિવસે હોય શ્રી સોમનાથ મંદિર ૦૭ અને ૦૮ નવેમ્બરે રાત્રે ૦૧:૦૦ વાગ્યા સુધી ખુલ્લું રહેશે.
સોમનાથ જ્યોતિર્લિંગ નાં આધ્યસ્થાપક ચંદ્રદેવ કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રીએ સોમનાથ જ્યોતિર્લિંગ નાં શિખર પર આવે છે અને પોતાનો શીતળ પ્રકાશ વરસાવે છે. જેને અમૃત વર્ષા યોગ પણ કહેવામાં આવે છે. ચંદ્રદેવ સોમનાથ મહાદેવનો ધ્વજ દંડ અને ત્રિશૂળ તેમજ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ એક જ હરોળમાં આવવાથી કાર્તિકી પૂર્ણિમાનો વિશેષ ધાર્મિક મહાત્મય છે. જેને કારણે પ્રતિવર્ષ કાર્તિકી પૂર્ણિમાનો મેળો સૌરાષ્ટ્ર સહિત સમગ્ર દેશ વિદેશમાં પ્રસિદ્ધ થયો છે. ત્યારે મેળાનાં ભવ્ય અને સુલભ આયોજનમાં જરૂરી સહયોગ કરવા માટે જાહેર જનતાને શ્રી સોમનાથ ટ્રસ્ટ, જિલ્લા વહીવટી તંત્ર તથા પોલીસ તંત્ર દ્વારા વિનંતી કરવામાં આવે છે.
મેળામાં આવનાર માનવ મેદનીને ધ્યાને રાખીને ટુ વ્હીલર ફ્રી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.
શ્રી સોમનાથ મંદિરનાં મુખ્ય માર્ગને વન-વે કરવામાં આવ્યો છે. તેમજ ત્રિવેણી સંગમથી બાયપાસ તરફ જતો રોડ માત્ર વાહન એક્ઝિટ માટે રાખવામાં આવ્યો છે.
વિશેષમાં મેળાનો લાભ લેતા યાત્રીઓને નીચે મુજબ કાળજી રાખવા સૂચનાઓ જાહેર કરવામાં આવી છે.
૧. મેળા દરમ્યાન બાળકો વિખુટા ન પડે તેની ખાસ કાળજી રાખો.
૨. શાંતિપૂર્વક ચાલી ધક્કા મુક્કી ન કરી, આયોજનમાં સહયોગ આપો.
૩. મેળામાં કોઈપણ જગ્યાએ ભીડ થાય અથવા તોફાની તત્વો જોવા મળે તો તુરંત પોલીસને જાણ કરો
૪. મેળામાં ઈમરજન્સી માટે અલગ-અલગ જગ્યાએ ઈમરજન્સી ગેઈટ રાખવામાં આવેલા છે. તેનો ઈમરજન્સી નાં સમયમાં ઉપયોગ કરો.
૫. મેળામાં ઈમરજન્સી સમયે ગભરાશો નહીં, ભાગદોડ ન કરતા નકકી કરવામાં આવેલ ગેધરીંગ પોઈન્ટ- "સાંસ્કૃતિક કાર્યક્રમ સ્થળ" પર એકઠા થઈ અને ત્યાં પહોંચવા માટે અન્ય લોકોને મદદ કરો.
૬. મેળામાં આપની સેવા માટે નીચે મુજબની વ્યવસ્થા છે તેનો ઉપયોગ કરો.
ઈમરજન્સી સંપર્ક :–
પોલીસ - ૧૦૦
ફાયર - ૧૦૧
એમ્બ્યુલન્સ - ૧૦૨
ઈમરજન્સી - ૧૦૮
મેળા કાર્યાલય - ૯૯૭૮૬ ૦૧૩૩૫/૯૯૭૮૬૧૪૯૨૦
આ ઉપરાંત મેળા ગ્રાઉન્ડમાં સીસીટીવી સીસ્ટમ લગાવવામાં આવી છે. વિશાળ પાર્કિંગ ની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. ફાયર સેફ્ટી માટે તમામ જગ્યાએ ફાયર એકસ્ટીંગ્યુસર બોટલની વ્યવસ્થા તેમજ સ્ટેન્ડબાય ફાયર ટેન્ડર ટીમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મેળામાં ઇલેક્ટ્રીક સપ્લાય માટે 4 વિશાળ ક્ષમતા વાળા સ્ટેન્ડબાય જનરેટરની વ્યવસ્થા કરાઇ છે. મેળા કાર્યાલય તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનાં સ્ટેજમાં પબ્લિક એડ્રેસ સીસ્ટમ ઊભી કરવામાં આવી છે. જેથી માઇક દ્વારા જન સંપર્ક સરળ અને અસરકારક બની શકે. મેળામાં બંદોબસ્ત અને દેખરેખ માટે પોલીસ વૉચટાવર, પોલીસ કન્ટ્રોલ રૂમની વ્યવસ્થા કરાઇ છે. ઈમરજન્સી નાં કેસમાં મેળાની ફરતે વ્હીકલ લઈ જઈ શકાય તે માટે પહોળો રસ્તો તૈયાર કરાયો છે. મેળામાં આવતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે શુદ્ધ પીવાનાં પાણીની વ્યવસ્થા કરાઇ છે, તેમજ સ્ત્રીઓ તથા પુરૂષો માટે અલગ-અલગ પોઇન્ટ પર યુરીનલની વ્યવસ્થા કરવામાં આવી છે.
આમ સોમનાથ કાર્તિકી પૂર્ણિમાના મેળામાં પધારતા લોકોને સુરક્ષિત, સુલભ અને આનંદસભર વાતાવરણ મળે તેના માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ, જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા પોલીસ તંત્ર તેમજ નગર સેવા સદનના સહયોગથી તમામ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. જેથી મેળામાં સેહલાણીઓને કોઈપણ તકલીફ ન પડે. મેળા દરમિયાન ફરજ પરનાં કર્મચારીઓને સહયોગ કરવા યાત્રિકોને અનુરોધ કરવામાં આવે છે.
આપની માહિતી આપવા સંપર્ક કરો
મનિષ કંસારા
#manishkansara
📱 63529 18965
GMail ID Ⓜ️
#gujaratnivacha
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
Comments
Post a Comment