ગીર સોમનાથ જિલ્લામાં મચ્છરજન્ય રોગો અટકાવવા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ડોર-ટુ-ડોર સર્વે: ૨.૪૬ લાખ ઘરોની વિઝીટ કરીને ૨૧૬૯૩ પાત્રોમાંથી મચ્છરોના બ્રીડિંગ દૂર કરાયા
🔸જિલ્લા આરોગ્ય તંત્રની ટીમોએ ૫.૪૧ લાખ પાત્રો તપાસ્યા: મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા અનેકવિધ પગલાં લેવાયાં
🔸ડેન્ગ્યું, ચિકનગુનિયા, મેલેરિયા જેવી બિમારીઓને ડામવા જિલ્લા આરોગ્ય તંત્ર મેદાનમાં
✍️નરેન્દ્રભાઈ દવે
ગીર-સોમનાથ: ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદના પગલે મેલેરિયા, ડેન્ગ્યું, ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગ વકરે નહિં તે માટે જિલ્લા આરોગ્ય તંત્રે સક્રિયપણે કામગીરી કરીને સમગ્ર જિલ્લામાં ૨.૪૬ લાખ ઘરોનો ડોર-ટુ-ડોર સર્વે કરીને ૫૪૧૩૦૮ જેટલા પાત્રો તપાસ્યા હતા. જે પૈકી ૨૧૬૯૩ પાત્રોમાં મળી આવેલા મચ્છરોના બ્રીડિંગોનો ટેમોફોસ-કેરોસીન નાખી નાશ કરવામાં આવ્યો હતો.
મચ્છજન્ય રોગો અટકાવવા અને તેના નિયત્રંણ માટે CHO, MPHW, FHW, આશાબહેનો તથા આશા ફેસીલીટર બહેનો દ્વારા હાઉસ ટુ હાઉસ વિઝીટ કરીને સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વે દરમિયાન પાણી ભરેલા પાત્રો, ફ્રીઝ, કુલર, ફૂલદાની, ટાયર, ભંગાર, અગાસી, પાણી ભરેલ ખાડાઓ વગેરેની તપાસણી કરીને મચ્છરોના પોરા શોધીને દૂર કરવામાં આવ્યા હતા.
આઉટડોરમાં મોટા ખાડા-ખાબોચિયામાં ૧૫૬૪ બ્રીડીંગ પ્લેસમાં ડાયફ્લુ બેન્ઝુરોન તથા બળેલ ઓઈલ નાખવામાં આવ્યું હતું. જેના પરિણામે તેની અંદર રહેલા મચ્છરના લાર્વા જે શ્વાસ લેવા માટે પાણીની સપાટી પર આવે તે દરમિયાન ઓક્સીજન ન મળવાને કારણે અંદર જ નાશ થઇ જાય છે. તેમજ સોર્સ રીડકશન હેઠળ ૩૧૬૪૨ બ્રીડીંગ પ્લેસનો નાશ કરવાની સાથે ૨૦૪૦ જેટલા ઘરોમાં ફોગીંગ પણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત ૯૨૧ જગ્યાએ કાયમી ભરાતા પાણીના સ્થળોમાં પોરા ભક્ષક માછલીઓ મૂકવામાં આવી હતી. આ માછલીઓ મચ્છરના લાર્વા ઉપરાંત અન્ય જીવાતોનું ભક્ષણ કરતી હોવાથી મચ્છરોની ઉત્પતિ અટકાવવામાં ખુબ જ મદદરૂપ બની રહે છે.
વેરાવળ, ઉના, કોડીનાર અને તાલાલા જેવા શહેરી વિસ્તારોમાં કુલ ૧૬ વેક્ટર કંટ્રોલ ટીમો કાર્યરત છે. તેમજ અસરગ્રસ્ત વિસ્તારોમાં આ વર્ષે ૧૨૨૦૦ જેટલી દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મચ્છરજન્ય રોગો સ્થાનિક આગેવાનોને સાથે રાખીને જનજાગૃતિ આવે તે માટે પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હતો. આ કામગીરી જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સપ્ટેમ્બર માસ દરમિયાન કરવામાં આવી હતી.
વાહકજન્ય રોગચાળાના અસરકારક નિયંત્રણની કામગીરીને સાર્થક કરવા અને સરકારશ્રીના મેલેરિયા મુક્ત ગુજરાત-૨૦૨૨ના અભિયાનને સફળ બનાવવામાં સહયોગ આપવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તથા જિલ્લા મેલેરિયા અધિકારી શ્રી ડો. કે.બી. નિમાવતે અનુરોધ કર્યો હતો.
#gujaratnivacha
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
Comments
Post a Comment