જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા વિશ્વ યુવા કૌશલ્ય દિવસની દબદબાભેર ઉજવણી તથા સ્વચ્છતા પખવાડીયાનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો
ભરૂચ: ભારત સરકારનાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા પુરસ્કૃત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે વિશ્વ યુવા કૌશલ્ય દિવસ ઉજવણીનો કાર્યક્રમ વડાપ્રધાનશ્રી નરેન્દ્રમોદીજી નાં લાઇવ વકતવ્ય સાથે યોજાયો હતો.
વડાપ્રધાનશ્રીએ યુવાનો અને યુવતીઓને સંબોધતા જણાવ્યું હતું કે આજે આપણે કોરોના મહામારી વચ્ચે આ દિવસ મનાવીએ છીએ. ખરેખર સ્કીલે જીંદગીનું મૂલ્ય વધાર્યું છે ૨૧ મી સદીમાં જન્મનાર યુવા સ્કીલ થકી ૧૦૦ વર્ષ ભારતને આગળ વધારશે. રાષ્ટ્રને તેની જરૂરત છે. સ્કીલ જીવનનો આધાર છે. આપણે તેને ગતિ આપવાની છે. ભારતની સોચ આ માટે એકદમ આગળ છે, આપણાં પૂર્વજો પણ સ્કીલને મહત્વ આપતાં આવ્યાં છે. શાસ્ત્રોમાં પણ વિશ્વકર્માઓને સન્માનવાનું સૂચવ્યું છે. સ્કીલ વગર બધુ જ અસંભવ છે. ગુલામીનાં કારણે આ ક્ષેત્રે કમજોર પડ્યાં છીએ, આપણે કદમથી કદમ મિલાવી વિશ્વનાં દેશોને સકીલ શોલ્યુશન આપી શકીએ તેવો આપણો અભિગમ છે.
આ ઓનલાઇન કાર્યક્રમમાં કૌશલ્ય વિકાસ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનજીએ તાલીમાર્થીઓને જણાવ્યું કે સ્કીલ જીંદગીનો એક હિસ્સો છે. દેશનાં ૪૦ કરોડ નવયુવાનોમાંથી જેઓ કૌશલ્ય પ્રાપ્ત કરી પોતાનો રોજગાર મેળવવામાં મદદરૂપ પોતેજ બને છે. તેમનામાં કૌશલ્યતાને વિકસાવવામાં તેઓનું માન સન્માન, તેમનાં નોલેજમાં વધારો કરવો પડશે તેમની યોગ્યતા પ્રમાણે કુશળ બનાવી કામ મળે તેવા પ્રયત્ન કરવા પડશે. આ અંગે તેમણે વિવિધ રાજયોનાં મંત્રીશ્રીઓ અને ઇન્સ્ટીટયુશનોનો આભાર વ્યકત કર્યો હતો.
રાજ્ય કક્ષાનાં કૌશલ્ય વિકાસ મંત્રીશ્રી રાજીવ ચંન્દ્રશેખરજી દ્વારા તાલીમાર્થીઓને પ્રોત્સાહીત કરી છેલ્લાં ત્રણ વર્ષથી કૌશલ્ય ક્ષેત્રે જે કામગીરી કરી છે તેમજ ગત વર્ષથી કોરોનાના કપરા સમયે જે ઓનલાઇન અને ઓફ લાઇન તાલીમ ઉપલબ્ધ કરાવી તેની પ્રસંશા કરી હતી તેમણે સ્કીલ ઇન્ડીયા માટે કરેલ કામગીરી આધુનિક ટેકનોલોજી સાથેનાં સમન્વયથી કરેલ કૌશલ્ય વિકાસથી દેશના ઇકોનોમી ઉપર થતી અસર અને ભવિષ્યમાં ઇકોનોમી વૃદ્ધિ માટે તૈયાર કૌશલ્ય યુવાધનને ભારત નહિં પરંતુ દુનિયાભરનાં દેશોની અપેક્ષા સંતોષવા અને આ બાબતે યુવા ધનને આગળ વધવા જણાવ્યું હતું.
સ્કીલ ઇન્ડીયાના ૬ વર્ષ પૂર્ણ કરી ૭ માં વર્ષે પ્રવેશવા બદલ સ્કીલ ટ્રેનીંગ પુરી પાડતી તમામ જન શિક્ષણ સંસ્થાનોને ભારત સરકારશ્રી તરફથી પ્રોત્સાહિત કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. જેને જન શિક્ષણ સંસ્થાન ભરૂચ નાં બોર્ડ અધ્યક્ષશ્રી ફિરદોશબેન મન્સુરી અને સભ્યશ્રીઓએ વધાવ્યાં હતાં.
રાષ્ટ્રીય કાર્યક્રમ પૂરો થયાં બાદ સ્થાનિક મહાનુભાવોની ઉપસ્થિતિમાં સ્વચ્છતા પખવાડીયાનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો. નિયામકશ્રી ઝયનુલ સૈયદ દ્વારા સ્વાગત પ્રવચનમાં સૌને આવકારતાં જન શિક્ષણ સંસ્થાન ભરૂચની કાર્યપ્રણાલી થી વાકેફ કર્યા હતા અને ભરૂચ જિલ્લામાં ચાલતાં વિવિધ તાલીમ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનો ચિતાર રજુ કર્યો હતો અને આગામી ૧૫ દિવસમાં યોજાનાર સ્વચ્છતા પખવાડીયાનાં તમામ કાર્યક્રમોની માહીતી આપી હતી. તેમજ કોવીડ-૧૯ ની ગાઇડલાઇન્સની અમલવારી માટે રીસોર્સ પર્સન (પ્રશિક્ષકો) તથા તાલીમાર્થીઓને વિસ્તૃત સમજ આપી હતી અને કોરોનાની ત્રીજી લહેરની સામે સાવચેત રહી તમામ કામગીરી કરવા જણાવ્યુ હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે ભરૂચ નગરપાલીકા નાં ઉપપ્રમુખશ્રી નિનાબા યાદવ ઉપસ્થિત રહ્યા હતાં. તેઓશ્રી અન્ય કાર્યક્રમોની વ્યસ્તતાનાં કારણે ટુંકા સમયમાં હાજરી આપી કાર્યક્રમોની સફળતાં ઈચ્છી આમંત્રણ બદલ આભાર વ્યકત કરી સૌને અભિનંદન આપી વિદાય લીધી હતી.
અતિથિ વિશેષ પદે જુવેલાઇન જસ્ટીસ બોર્ડના સભ્ય શ્રીમતી મધુબેન સીહે પોતાના વક્તવ્ય માં જણાવ્યું કે સ્કીલ ડે ઉજવણીની શરૂઆત શ્રીલંકાથી થઈ, જેનો આશય વિશ્વ પટલ ઉપર યુવાઓને કુશળ કૌશલ્યતા આપવાનો છે. તેમણે કૌશલ્યતાનાં બે દાખલા ટાંક્યા તેમાં કોરોનામાં બેકાર બનેલ શિક્ષિકા બહેન જેમણે ટીફીન વ્યવસાય શરૂ કરી તેના દ્વારા માસિક એક લાખ રૂપિયાની કમાણી કરે છે અને ૧૦ બહેનોને તેમણે રોજગારી આપી છે. એક રિટાયર્ડ ભાઈ કે જેનું લેખન કાર્ય સારું હોવાથી માસિક રૂા.૨૦ હજાર વૃદ્ધા અવસ્થામાં પણ પોતાની કૌશલ્યતાથી કમાય છે. તેમણે સ્વચ્છતા માટે જણાવ્યું કે દરેક પોતેજ જવાબદાર છે. આપણાં ઘરેથી જ તેની શરૂઆત કરી શકીએ. તેમણે વૃક્ષ વાવીને તેનું જતન કરવાની પણ વાત કરી હતી.
અન્ય અતિથિ વિશેષશ્રી કેળવણીકાર અને પૂર્વ શિક્ષણ અધિકારી શ્રી કરશનભાઈ રોહીત પણ ઉપસ્થિત રહ્યાં હતાં, અને તાલીમાર્થી ભાઈ-બહેનોને પ્રોત્સાહિત કરી આપણાં સમાજ ધર્મ અને ભાઈચારાની સ્કીલ જે આપણા પૂર્વજોએ આપી છે. તેનું પણ જતન કરવા અને યોગ્ય ઉપયોગ કરવાં પર ભાર મુક્યો હતો તથા સમગ્ર પખવાડીયા દરમ્યાન આયોજીત કાર્યક્રમોમાં સંસ્થાને પૂરતો સહયોગ કરી સમગ્ર કાર્યક્રમને સારી રીતે પાર પાડવા શુભેચ્છા પાઠવી હતી. તો વિદ્યાર્થીઓ પૈકી સરીતાબેન પારેખ દ્વારા સ્વચ્છતા મિશન વિશે પોતાનાં વિચારો રજુ કર્યા હતા. જયારે સંસ્થાન નાં ફિલ્ડ લાઇવલી હુડ કો-ઓર્ડિનેટર શ્રીમતીજી શીતલબેન ભરૂચા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રીમતી હેતલબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ: મનિષ કંસારા, ભરૂચ.
📱 63529 18965
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳









































Comments
Post a Comment