ઝઘડિયા ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ત્રણ વીજ સબસ્ટેશનોનું લોકાર્પણ કરવામાં આવ્યું

ઝઘડિયા ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ત્રણ વીજ સબસ્ટેશનોનું લોકાર્પણ કરવામાં આવ્યું

 ✍️ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ 

🔸બે દાયકા દરમિયાન ગુજરાતે ઉર્જા ક્ષેત્રે મોટી પ્રગતિ કરી છે-:મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

ભરૂચ:  ભરૂચ જીલ્લાના ઝઘડિયા સ્થિત  મિશન ગ્રાઉન્ડ ખાતે આજરોજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં  ઝઘડિયા તાલુકાના વણાકપોર ૬૬ કેવી સબ સ્ટેશન સહિત અન્ય ત્રણ સબ સ્ટેશનોનો ઇ લોકાર્પણ તેમજ અન્ય એક સબ સ્ટેશનના ભુમિ પુજનનો કાર્યક્રમ યોજાયો હતો. 





   ઝઘડિયા ખાતે આજરોજ યોજાયેલ ભવ્ય લોકાર્પણ સમારોહમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સાથે રાજ્યના ઉર્જામંત્રી કનુભાઈ દેસાઇ, ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, જીલ્લા ભાજપા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, રાજ્યસભાના પૂર્વ સાંસદ ભારતસિંહ પરમાર, ધારાસભ્યો દુષ્યંત પટેલ તથા અરુણસિંહ રાણા, જીલ્લા કલેક્ટર તુષારભાઈ સુમેરા સહિત વિવિધ અધિકારીઓ, જેટકોના અધિકારી ઉપેન્દ્ર પાન્ડે ઉપરાંત તાલુકા જીલ્લાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન આયોજિત આ લોકાર્પણ સમારોહમાં મુખ્યમંત્રીએ વિતેલા ૨૦ વર્ષો દરમિયાન ઉર્જા ક્ષેત્રે ગુજરાતે કરેલ પ્રગતિની સવિસ્તાર આંકડાકીય જાણકારી આપી હતી. 



મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યુંકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત સહિત દેશના નાગરીકો માટેની  વીજળી પાણી જેવી પાયાની સુવિધા ઘેરઘેર પહોંચાડી છે. ઉપરાંત રસ્તાની સુવિધા છેવાડાના ગામો સુધી ઉપલબ્ધ બને અને દરેક ક્ષેત્રે વિકાસનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તેને માટે રાજ્ય તેમજ કેન્દ્રની સરકારો દ્વારા જરુરી આયોજન કરાયા છે. રાજ્યના સાર્વત્રિક વિકાસ માટે ઉર્જાની જરુર હોવાની વાત કરીને મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે પાછલા વર્ષોમાં દરવર્ષે ૧૬ જેટલા નવા વીજ સબ સ્ટેશનો બનતા હતા, જ્યારે હાલના સમયમાં દરવર્ષે આપણે ૭૮ જેટલા નવા સબ સ્ટેશનો બનાવીએ છીએ. મુખ્યમંત્રીએ આ પ્રસંગે વધુમાં જણાવ્યું કે ૨૧ મી સદીમાં ભારતના નવનિર્માણ માટે વીજ વિકાસ સહિતના અન્ય ક્ષેત્રોએ આત્મનિર્ભર બનવા ગુજરાતે પણ મોટુ યોગદાન આપ્યું છે. ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાએ પ્રસંગોચિત વકતવ્યમાં હાલના તબક્કે જંગલો અને પર્યાવરણને તુટતા બચાવવા હાકલ કરી હતી. તેમણે વધુમાં જણાવ્યુ કે આદિવાસીઓને જમીન સહિતના તેમના અધિકારો મળે તે માટે સરકાર હંમેશ કટિબધ્ધ છે. ઉપરાંત ખેડૂતોને પુરતી વીજળી મળે એ માટે રાજ્ય સરકાર દ્વારા સતત વિકાસને લગતા કાર્યક્રમો યોજાતા હોવાની વાત કરી હતી. આ પ્રસંગે ઝઘડિયા તાલુકાના પ્રસિદ્ધ ગુમાનદેવ મંદિરના મહંત મનમોહનદાસ દ્વારા મુખ્યમંત્રીનું અભિવાદન કરવામાં આવ્યું હતું.




 

અત્રે ઉપસ્થિત રાજ્યના ઉર્જામંત્રી કનુભાઇ દેસાઇએ ઔદ્યોગિક ક્ષેત્રે ભરૂચ જીલ્લાએ રાજ્યમાં મેળવેલ અગ્ર સ્થાનની પ્રસંશા કરી હતી. ઉર્જામંત્રીએ આ  પ્રસંગે વધુમાં જણાવ્યું કે ખેતી તેમજ ઉધોગો માટે વીજળી અને પાણી અનિવાર્ય પરિબળ છે, ત્યારે તેમણે વીજળી અને પાણી માટે સરકાર દ્વારા કરાયેલ કામગીરીની વિસ્તૃત જાણકારી આપી હતી. ઉપરાંત વીજ જોડાણો માટેની જે અરજીઓ પેન્ડિંગ છે તેનો જલ્દીથી નિકાલ કરીને દરેક ખેડૂતોને વીજ જોડાણો મળે તે માટે ઝડપી કામગીરી કરવામાં આવશે એમ ઉમેર્યુ હતું. રાજ્ય સરકાર દ્વારા  અાદિવાસી વિસ્તારોમાં વધુ વીજ સબ સ્ટેશનો કાર્યરત કરવાની અસરકારક કામગીરી કરવામાં આવી હોવાની વાત આ પ્રસંગે કરવામાં આવી હતી. જેટકોના અધિકારી ઉપેન્દ્ર પાન્ડેએ  રાજ્યમાં ઉર્જા ક્ષેત્રે જેટકોએ કરેલ ઉત્તરોત્તર પ્રગતિનો ખયાલ આપ્યો હતો. ઝઘડિયા તાલુકામાં કાર્યરત થનાર ૬૬ કેવી વણાકપોર સબ સ્ટેશન કુલ ૪૯૦૦ ચોરસમિટર એરિયામાં અંદાજિત રુ.૬.૨૨ કરોડના ખર્ચે કાર્યરત થશે. નવું ૬૬ કે.વી. વણાકપોર સબ સ્ટેશન રાજ્ય સરકાર દ્વારા પછાત વિસ્તારોના ખાસ વિકાસને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારની ટ્રાઇબલ એરિયા સબ પ્લાનની ગ્રાન્ટ અંતર્ગત આ વિસ્તારના વિકાસાર્થે ઉભુ કરવામાં આવ્યું હોવાનું આ પ્રસંગે જણાવાયું હતુ.

    ઉલ્લેખનીય છેકે હાલમાં ભરુચ જીલ્લામાં ૬૨ સબ સ્ટેશન કાર્યરત છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન જીલ્લામાં ૧૨ જેટલા નવા સબ સ્ટેશન બનાવવામાં આવ્યા છે. કાર્યક્રમને અંતે જેટકોના અધિકારીએ સહુનો આભાર માન્યો હતો.

#gujaratnivacha

🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

બાજરો સુકવી રહેલા યુવાનને ૧૧ કે.વી. લાઇનમાંથી વીજશોક લાગતા ઘટના સ્થળે કરૂણ મોત

ચક્રવાત 'બિપરજોય' એ ખતરનાક રૂપ લીધું, આ દિવસે થશે સૌથી વધુ તબાહી; IMD એ એલર્ટ જાહેર કર્યું

વર્ષમાં માત્ર એક વખત કાર્તિકી પૂર્ણિમા ની મધ્યરાત્રીએ થોડી મિનિટો માટે સર્જાય છે "સોમનાથ અમૃત વર્ષા સંયોગ"