ભરૂચ જિલ્લાના ૧૦૮ ઇમર્જન્સીના કર્મચારીઓએ ફરજ પર હાજર રહીને દિવાળી મનાવી
✍️ ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
રાજપારડી: વર્ષનાં અંતે આવતા દિવાળીના પર્વની સમગ્ર ભારતમાં ઉત્સાહથી ઉજવણી કરવામાં આવતી હોય છે. સામાન્ય રીતે તહેવારોના દિવસો દરમિયાન ઇમર્જન્સી વધવાની શક્યતાઓ હોય છે. ઇમર્જન્સી સેવાઓ માટે ૧૦૮ ઇમર્જન્સી સેવા એક મહત્વની સેવા ગણાય છે, ત્યારે ભરૂચ જિલ્લાના ૧૦૮ ઇમર્જન્સીના કર્મચારીઓએ પોતાની ફરજ પર રહીને દિવાળીનું પર્વ મનાવ્યુ હતું.
ભરૂચ જિલ્લાના ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મચારીઓ દ્વારા ૧૦૮ ના લોકેશન પર રંગોળી બનાવીને તેમજ દીપક પ્રગટાવીને દિવાળીનું પર્વ ચાલુ ફરજ પર મનાવવામાં આવ્યું. ભરૂચ જિલ્લાના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર તથા ડિસ્ટ્રિક્ટ ઑફિસર અશોક મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ ૧૦૮ ના કર્મચારીઓ દ્વારા દિવાળીના તહેવાર નિમિત્તે લોકોને ઇમર્જન્સીની સેવાઓ તરત મળી રહે તે માટે ફરજ પર હાજર રહીને દિવાળીનું પર્વ મનાવવામાં આવ્યુ હતુ. ૧૦૮ ના કર્મચારીઓેએ પોતાના પરિવારથી દૂર રહીને બીજા પરિવારોને દુ:ખ સહન ન કરવું પડે તે માટે ફરજ પર હાજર રહીને દિવાળી મનાવીને પોતાની કર્તવ્યનિષ્ઠા ની પ્રતિતિ કરાવી હતી. દિવાળી પર્વ નિમિત્તે ૧૦૮ ના અધિકારીઓ દ્વારા કર્મચારીઓને મિઠાઈ આપી મોં મીઠુ કરાવવામાં આવ્યું.
#gujaratnivacha
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
Comments
Post a Comment